Pages

Sunday, June 27, 2010

પાણીદાર પ્રવૃતિ

કોઈ વ્યકિત પોતાની જન્મભૂમિ અથવા કર્મભૂમિમાં કંઈક અનેરી પ્રવૃતિ કરવાનું વિશેષ પસંદ કરે, પરંતુ રાજકોટવાસી સબ મર્સિબલ પંપ ઉત્પાદક મનસુખભાઈ સુવાગિયાએ એમના એક સ્વજનના ગામમાં જઈને પાણીદાર પ્રવૃતિ કરી, જે વાસ્તવમાં પાણી અંગેની હતી. વર્ષ 1991ના અરસામાં એમણે સરકારની સહાય વિના, સ્વખર્ચે તથા ગામલોકોનાં શ્રમદાનથી 51 ચેકડેમ તૈયાર કર્યા. જૂનાગઢ જિલ્લાના ત્રણેક હજારની વસતિ ધરાવતા જામકા ગામમાં સાવ ટૂંકા ગાળામાં 51 ચેકડેમ નિર્માણની આ ધટના જળક્રાંતિ તરીકે જાણીતી બની. એના પ્રેરક મનસુખભાઈના દાવા મુજબ આ પ્રોજેક્ટના આધારે ગુજરાત સરકારે શ્રી સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના બનાવી હતી.
સુવાગિયાએ જળસંગ્રહ માટે જળક્રાંતિ ટ્રસ્ટની સ્થાપના બાદ ગીર ગાય સંવર્ધન માટે ઝુંબેશ ઉપાડી, જેમાં ગીર ગાયની નસલ સુધારવા એનાં મળ-મૂત્રનો વ્યાવહારિક ઉપયોગ કરવા તથા ગાયનાં દૂધનો ઉપયોગ વ્યાપક બનાવવા કેટલાંક ગામમાં જઈ પોતાનો વિચાર વહેતો મૂક્યો.
પરગામમાં પાણીદાર પ્રવૃતિમાં મળેલી સફળતા પછી મનસુખભાઈએ વડોદરા જિલ્લાના કવાંટ તાલુકાના આદિવાસી વસતિ ધરાવતા ભેખડિયા ગામમાં વૈદિક ધર્મપાલન, ગીર ગાય સંહક્ષણ અને વૃક્ષ ઉછેરની પ્રવૃતિ આરંભી છે. જળક્રાંતિ ટ્રસ્ટે ભેખાડિયા ગામને દત્તક લઈને 20 ગીર ગાય-સાંઢ અને રોકડ સહાય આપી છે. તાજેતરમાં જામકા ગામે યોજાયેલા કિસાન સંમેલનમાં પણ ભેખડિયાવાસીઓની મદદ માટે બે લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર થયું, એકાદ હજાર આદિવાસીએ વ્યસનમુકિતના શપથ પણ લીધા.
મનસુખભાઈ કહે છે કે મક્કમ નિર્ણય હોય તો શ્રમ અને સહયોગ આપનારાની સમાજમાં કમી નથી.